ભચાઉ સર્વિસ રોડ પર બે એક્ટિવા સામસામે અથડાતાં એકનું મોત

Gujarat Fight

ભચાઉમાં મામલતદાર કચેરી તરફના સર્વિસ રોડ પર બે એક્ટિવા સ્કૂટર સામસામે ટકરાઈ પડ્યા હતા. જેમાં 24 વર્ષીય રોહિત મોહન બારોટ નામના યુવકનું ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ભારે ઇજાઓના પગલે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનો બનાવ ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે બન્યો હતો. જેમાં બંન્ને એક્ટિવા એકમેક સામે ધડાકાભેર અથડાઈ પડતાં બંન્ને સ્કૂટરના ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. મૃતક રોહિતની સાથે રહેલા અન્ય એક યુવકને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.

સૂત્રો અનુસાર મૂળ રાપર તાલુકાના હમીરપરનો અને હાલ ગાંધીધામના અંતરજાળ રહેતો રોહિત બારોટ નામનો યુવક ભચાઉ લગ્ન પ્રસંગે આવ્યો હતો. ગત મોડી રાત્રે તે અને તેનો મિત્ર એક્ટિવા સ્કૂટર પર ભચાઉથી હાઇવે હોટલ તરફ જતા હતા. ત્યારે સામેથી આવતા એક્ટિવા સ્કૂટર સાથે અથડાઈ પડ્યા હતા. જેમાં બંન્ને વાહનના ચાલકો ગંભીરરૂપથી ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા. તેમાં ઇનાયત જુમાં ખલિફાને બેહોશ અવસ્થામાં અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભચાઉ નગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના બંન્ને તરફના સર્વિસ રોડ તેની બનાવટથી જ ચર્ચામાં રહ્યા છે. સતત અવરજવર છતાં સાંકડા માર્ગના કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તંત્રના અણઘડ માર્ગના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. તંત્ર યોગ્ય નિવારણ લાવી માર્ગને સુચારુ બનાવે તે જરૂરી હોવાનું લોકોએ જણાવ્યું હતું.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *