બ્રિટનના ઓલિમ્પિયન બોક્સર આમીર ખાનને લંડનમાં બંદૂક બતાવીને લૂંટી લેવામાં આવ્યો હતો. આમીર તેની પત્ની ફર્યાન મખદૂમ સાથે ગઈકાલે રાત્રે પૂર્વ લંડનના લેયટન વિસ્તારમાં હતો, ત્યારે બે શખ્સોએ તેને અટકાવ્યો હતો અને તેની સામે બંદૂક ધરી ઘડિયાળ કાઢી આપવા માટે જણાવ્યું હતુ. આમીરે આશરે રૃપિયા ૭૧ લાખ (૭૨,૦૦૦ પાઉન્ડ)થી વધુની કિંમતની હિરાજડિત ઘડિયાળ કાઢીને આપી દીધી હતી.

લૂંટારુઓ ઘડિયાળ લઈને તરત કારમાં ફરાર થઈ ગયા હતા. ૩૫ વર્ષના બોક્સરે તેની સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં કર્યો હતો. તેણે એમ પણ લખ્યું હતુ કે, આ ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે, અમે બંને સલામત છીએ.
આમીર ખાનની ઘડિયાળમાં નાના-મોટા ૭૧૯ જેટલા હિરા જડેલા હતા. લૂંટની ઘટનાના થોડા કલાકો પહેલા તેણે એક ચાહકની સાથે તસવીર ખેંચાવી હતી. આમીરની પત્ની ફરયાને સોશિયલ મીડિયામાં તેની ચોરાયેલી ઘડિયાળનો સિરિયલ નંબર પણ મૂક્યો હતો. જેથી લૂંટારું તેને વેચવાની કોશીશ કરે તો પકડાઈ જાય. આ મામલે લંડન પોલીસે પણ તપાસ શરૃ કરી દીધી છે.