આજકાલ લોકોની લાઈફ એટલી વ્યસ્ત થઇ ગઈ છે પોતાના માટે પણ સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે. જેના કારણે અનેક ત્વચા સંબંધિત સમસ્યા થવા લાગે છે. આપણે ચહેરાની ધ્યાન રાખી શકીએ છીએ પરંતુ સમયના અભાવને કારણે હાથ અને પગની એટલી કાળજી કરી શકતા નથી. બ્યુટી એક્સપર્ટ જૈસમિન ગુપ્તા પાસેથી જાણીએ આકર્ષક હાથની સાથે-સાથે તમે પર્સનાલિટીને પણ એક્ટ્રેક્ટિવ બનાવી શકો છો.
ત્વચામાં ત્યારે કરચલીઓ પડે છે જયારે ત્વચામાં કોલેજનનું પ્રમાણ ઘટી જાય છે. હાથ અને પગમાં સૌથી વધુ કરચલીઓ પડે છે. આ પાછળનું કારણ છે કે શરીરના આ અંગોની ત્વચા એકદમ પાતળી હોય છે. કોલેજનની કમીના કારણે ત્વચા ઢીલી પડવા લાગે છે. પરંતુ યોગ્ય ડાયેટ અને કોલેજન બનાવવાની પ્રક્રિયાને કારણે લાંબા સમય સુધી ત્વચાની હેલ્થને જાળવી શકાય છે.

જો તમને પણ ઘર કામ દરમિયાન વારંવાર હાથ ધોવાની ટેવ હોય તો ચેતી જજો. વધુ વાસણ ધોતા હોય તો ધ્યાન રાખો કે તેમાં લીકવીડ, સાબુ અને હેન્ડવોશમાં સલ્ફેટ હોય છે જે હાથની ત્વચાને રુક્ષ કરે છે. સલ્ફેટ અને સિલિકોનથી બનેલ વસ્તુઓથી હાથને નુકસાન થાય છે જેના કારણે હાથ રુક્ષ થઇ જાય છે. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે, નખ પાસેની સ્કિન એટલી કડક થઇ ગઈ હોય છે તે ફાટી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે.
હાથની સુંદરતા વધારવા માટે સૂતા પહેલા મોઈશ્ચરાઈઝર અથવા હેન્ડ ક્રીમ જરૂર લગાવો. હાથ રુક્ષ ના થાય તે માટે 30 થી 40 દિવસના સમયગાળામાં અચૂક મેનિક્યોર કરાવવો. મેનિક્યોર કરાવવાથી નખની પાસે રહેલી સ્કિન સોફ્ટ થઇ જાય છે. આ સિવાય હાથ પર મસાજ અને સ્ક્રબ પણ કરવામાં આવે છે. જેના કારણે હાથ સુંદર અને આકર્ષક લાગે છે.