ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માને વિઝડન ક્રિકેટર્સ અલ્માનકની ૨૦૨૨ની એડિશનમાં ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે વિદાય લઈ ચૂકેલા જો રુટને વિશ્વનો ટોચનો પ્લેયર જાહેર કરવામાં આવ્યો છે. રુટે ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં સર્વાધિક ૧૭૦૮ રન ફટકાર્યા હતા અને ટીમના કંગાળ દેખાવ વચ્ચે રુટે કરેલા શાનદાર દેખાવની નોંધ વિઝડને લીધી હતી.
ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટર્સ અલ્માનકની ૨૦૨૨ની એડિશનમાં ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં બુમરાહ અને રોહિતની સાથે સાથે ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન ડેવોન કોન્વે, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર ડેન વાન નિકેર્કને પણ સામેલ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાની મહિલા બેટ્ટર લિઝેલે લીને વિશ્વની ટોચની મહિલા ક્રિકેટર તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતુ. જ્યારે પાકિસ્તાનના વિકેટકિપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ટી-૨૦ના ટોચના ખેલાડી તરીકે અલ્માનકમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

ભારતે ગત ઉનાળામાં ઈંગ્લેન્ડ પ્રવાસ ખેડયો ત્યારે બુમરાહે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે લોર્ડ્ઝમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ઓવલમાં મેચ વિનિંગ સ્પેલ નાંખ્યો હતો. તે શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ છે અને હવે શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ આ વર્ષે રમાવાની છે. વિઝડને બુમરાહને બિરદાવતા લખ્યું કે, ગત ઉનાળામાં ભારતના બે વિજયનો મુખ્ય આધાર બુમરાહ રહ્યો હતો. લોર્ડ્ઝમાં તેણે આખરી બપોરના સેશનમાં ૩૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
જ્યારે ઓવલમાં તેણે રોમાંચક બોલિંગ કરતાં સતત બે ઓવરમાં ઓલી પોપ અને બેરસ્ટોની વિકેટ ઝડપી ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. વિઝડનના સંપાદક લોરેન્સ બૂથે લખ્યું કે, જો પ્રથમ ટ્રેન્ટબ્રિજ ટેસ્ટમાં આખરી દિવસ ધોવાયો ન હોત તો નવ વિકેટ ઝડપી ચૂકેલો બુમરાહ ટીમને જીત અપાવે તેમ હતો. તેણે ચાર ટેસ્ટમાં ૧૮ વિકેટ ઝડપી હતી અને તેની સરેરાશ ૨૦ની હતી. આ ઉપરાંત તેણે પુંછડિયા બેટ્સમેન તરીકે અનપેક્ષિત અને ઉપયોગી રન કર્યા હતા.