સ્પેનિશ ટેનિસ સ્ટાર ટોમી રોબ્રેડોનો બાર્સેલોના ઓપનની પ્રથમ મેચમાં જ સ્પેનના જ મિરાલેસ સામે ૬-૧, ૬-૧થી પરાજય થયો હતો. આ સાથે ૩૯ વર્ષના રોબ્રેડોએ તેની ૨૩ વર્ષની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકી દીધું હતુ. રોબ્રેડોએ તેની કારકિર્દીમાં ૧૨ ટાઈટલ્સ જીત્યા હતા અને વર્ષ ૨૦૦૬માં તે એટીપીના સિંગલ્સ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચ્યો હતો.

રોબ્રેડોની આખરી મેચમાં તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ ડેવિડ ફેરર, યુઆન કાર્લોસ ફરેરો, ફેલિસીનો લોપેઝ, આગટ, માર્ક લોપેઝ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રોબ્રેડોએ એટીપી ટૂર લેવલે સૌપ્રથમ મેચ ૧૬ વર્ષની ઉંમરે બાર્સેલોના ઓપનમાં જ જીતી હતી. તે તેની કારકિર્દીમાં ૮૯૧ મેચ રમ્યો હતો. જેમાંથી ૫૩૩માં તેની જીત થઈ હતી. તે સ્પેન તરફથી સૌથી વધુ એટીપી ટુર મેચ જીતવામાં નડાલ (૧,૦૪૮), ફેરર (૭૩૪), ઓરાન્ટેસ (૭૨૨), કાર્લોસ મોયા (૫૭૫) અને વર્ડાસ્કો (૫૫૭) પછી છઠ્ઠો ક્રમ મળ્યો હતો.
કારકિર્દીની આખરી મેચમાં રોબ્રેડોનો પરિવાર પણ ટેનિસ કોર્ટ પર ઉપસ્થિત રહ્યો હતો. તેણે તેની ૧૩ મહિનાની પુત્રી એલેક્ષિયાની સાથે તસવીર ખેંચાવી હતી. એન્ડી મરે, કાર્લોસ મોયા અને ડેવિડ નાલ્બાન્ડિયન જેવા ખેલાડીઓએ વિડિયો મેસેજ મોકલાવ્યા હતા. તે ૨૦૦૬માં એટીપી ફાઈનલ્સમાં રમ્યો હતો અને ૨૦૦૪ અને ૨૦૦૮ના ઓલિમ્પિકમાં પણ સ્પેન તરફથી સ્પર્ધામાં ઉતર્યો હતો. જોકે ગ્રાન્ડ સ્લેમમાં તે ક્યારેય ફાઈનલ સુધી પહોંચી શક્યો નહતો.