મધ્યપ્રદેશનાં સાગરમાં ભીમ આર્મી પાર્ટીના કાફલાનો રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માતનો VIDEO સામે આવ્યો છે. કાફલામાં સામેલ પુરપાટ ઝડપે જઈ રહેલી બાઇકની આગળ અચાનક ગાય આવી ગઇ હતી. ગાય સાથે બાઇક અથડાતાની સાથે જ બે યુવકો ઉછળીને નીચે પટકાયા હતા. તે જ સમયે કાર એક યુવક પર ચઢી ગઈ હતી. યુવક કારમાં ફસાઈ ગયો અને લગભગ 20 ફૂટ સુધી ઢસડાઈ ગયો હતો.આ અકસ્માતમાં અન્ય એક યુવક પણ ઘાયલ થયો છે. આ ઘટના રવિવારે બની હતી.

ભીમ આર્મી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ સાગરના મકરોનિયામાં એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા હતા. ભોપાલ રોડ પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો સ્વાગત માટે પહોંચ્યા હતા. દરેક લોકો રેલીના રૂપમાં સાગર તરફ આવી રહ્યા હતા. જેસીનગર રોડ પર સત્તા સેમાઢાનામાં રહેતો શૈલેન્દ્ર (18) પણ બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા અકસ્માતમાં શૈલેન્દ્રનું મૃત્યું થયું હતું. તેનો મિત્ર બાઇક ચલાવી રહ્યો હતો.
કાફલો રતૌના નાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક રસ્તા પર ગાય આવી ગઈ હતી. ગાય બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો, જેમાં શૈલેન્દ્ર અને તેનો મિત્ર રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી કાર શૈલેન્દ્રની ઉપર ચઢી ગઈ હતી અને તે કારમાં ફસાઈને 20 ફુટ સુધી ઢસડાયો હતો. એકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત શૈલેન્દ્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમિયાન શૈલેન્દ્રનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમો મિત્ર પણ ઈજાગ્રસ્ત થયો હતો.