ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીમાં વધારો થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ભાજપના શાસકો દ્વારા એપ્રિલ મહિનાના એક અઠવાડિયા બાદ હિટવેવ એક્શન પ્લાન બનાવી અને શહેરીજનોને ગરમીમાંથી રાહત આપવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું નથી. હિટવેવ એક્શન પ્લાનની નબળી કામગીરી સામે આવી છે. હિટવેવ એક્શન અંતર્ગત શહેરમાં દરેક ચાર રસ્તા પર વાહનચાલકોને સિગ્નલ બંધ હોય ત્યારે તડકામાં ઉભા રહેતા રાહત મળે તેના માટે ગ્રીન નેટ નાખવાની વાત હતી પરંતુ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા લીલા કલરના ડોમ ઉભા કરી દીધાં છે અને જેમાં વાહનચાલકો વાહન મૂકે છે.
ગ્રીનનેટ પાછળ 10 લાખ ખર્ચ કરાયો
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ભાજપના શાસકો દ્વારા હિટ વેવ એક્શન અંતર્ગત ગ્રીનનેટ નાખવાની વાત કરી હતી પરંતુ આ રીતે લીલા ડોમ ઉભા કરવા પાછળ તેઓએ રૂ. 10 લાખનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં એક ગ્રીનનેટ ઉભી કરવા પાછળ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 50 જગ્યાએ ગ્રીન નેટ નાખી હોવાની માહિતી મળી છે. આમ રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ શહેરીજનોને આમાં કોઈ ગરમીથી રાહત મળતી હોય તેવું દેખાતું નથી.

હિટ વેવ સામે બચવા માટે AMCએ ગ્રીન નેટને બદલે લીલા ડોમ બાંધ્યા
મોટાભાગના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા નહીં
હિટવેવ એક્શન પ્લાન અંતર્ગત શહેરમાં આવેલા તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવાની વાત હતી,. પરંતુ જ્યારે બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર તપાસ કરતા મોટાભાગના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા જોવા મળી નથી. ORSના પેકેટના વિતરણ કરવામાં આવતા હતા, પરંતુ કેટલાક જ ચોક્કસ કરેલા સ્થળો ઉપર જ આ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.
હિટ એકશન પ્લાન અંતર્ગત કરવામાં આવનાર અન્ય મહત્વની કામગીરીઓ
1) હવામાન વિભાગ દૈનિક ધોરણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને એલર્ટ આપે છે, જે અનુસાર કોર્પોરેશન દ્વારા ઇલેકટ્રોનિક અને પ્રિન્ટીંગ મીડિયા મારફતે શહેરના તમામ નાગરીકો અને અન્ય સ્ટેકહોલ્ડર્સ જેમ કે હોસ્પિટલો, 108 સર્વિસીઝ વગેરેને આ માહિતી પૂરી પાડવામાં આવશે. જેને આધારે તમામ વિભાગો સર્તક રહીને હિટવેવને કારણે થતી અસરો ન્યુનતમ થાય તે માટે પ્રયત્ન કરી શકે.
2) શહેરમાં હાલમાં 500થી વધુ સ્થળોએ જન ભાગીદારીથી પાણીની પરબો કાર્યરત છે. તેમજ કોર્પોરેશન દ્વારા અન્ય અતિ મહત્વના એવા સ્થળો આઇડેન્ટિફાઇ કરેલ છે, કે જ્યાં પાણીની પરબોની જરૂરિયાત છે. તે તમામ સ્થળોએ જન ભાગીદારીથી સત્વરે પાણીની પરબો કાર્યરત કરવામાં આવશે.
3) શહેરના તમામ બગીચાઓ બપોરના સમયે જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.
4) એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સુચના આપી દેવામાં આવી છે. રેડ એલર્ટ દરમ્યાન તમામ સ્ટ્રકશન સાઇટ બપોરે 12 થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપવામા આવી છે.
5) ઇજનેર વિભાગ તેમજ મેટ્રો વિભાગના કામ કરતા કર્મચારીઓને પણ ગરમીના કારણે આડ અસર ન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરવા માટે સુચના આપવામા આવી છે. રેડ એલર્ટ દરમ્યાન તમામ ઇજનેર સાઇટ/ મેટ્રો સાઇટમાં બપોરે 12થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપી દેવામાં આવી છે.

શહેરમાં AMCએ લીલા ડોમ બાંધ્યા છે ત્યાં વાહન પાર્ક થવા લાગ્યા
6) તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓ.આર.એસ. કોર્નરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રેડ એલર્ટ દરમ્યાન યુ.એચ.સી. સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
7) તમામ આંગણવાડી પર ઓ.આર.એસ. ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
8) તમામ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
9) AMTSના તમામ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ મહત્તમ ભીડભાડવાળા ડેપો પર ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવશે.
10) BRTSના તમામ બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
11) ટ્રાફીક વિભાગ સાથે સંકલન કરી તેમનાં કર્મચારીઓ માટે ઓ.આર.એસ, પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
12) તમામ આસી.મ્યુનિ.કમિશનરોએ તેમનાં તાબા હેઠળના વિસ્તારમાં ઓછામાં ઓછા 1 સ્લમ વિસ્તારમાં સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત કુલ રૂફિંગની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે.

બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા નહીં
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.