વેટ ઘટાડાની પીએમ મોદીની અપીલ બાદ ભડકી ઉઠેલી વિપક્ષી રાજ્ય સરકારોને કટાક્ષ કરતતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એક મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીની વેટ ઘટાડાની અપીલ બાદ વિપક્ષી રાજ્ય સરકારો ભડકી ઉઠી છે અને હવે વિપક્ષી સરકારોને જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એવો કટાક્ષ કર્યો કે જો વિપક્ષી રાજ્યોની સરકારો ઈમ્પોર્ટે લીકર (મોંઘા આયાતી દારુ) પર ટેક્સ ઘટાડવાને બદલે ફ્યુઅલ (ઈંધણ) પરનો ટેક્સ ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે અને લોકોને સસ્તા ઈંધણ મળી શકે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર 32.15 રુપિયા અને કોંગ્રેસ શાસિત રાજસ્થાન 29.10 રુપિયાનો ટેકસ કલેક્ટ કરે છે. ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પેટ્રોલ પર 14.51 રુપિયા અને યુપીમાં 16.50 રુપિયાનો ટેક્સ લેવાય છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવાથી તથ્યો છુપાઈ જતા નથી.

દેશભરમાં કોરોનાની સ્થિતિ અંગે બુધવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વિપક્ષ શાસિત અનેક રાજ્યોમાં ઇંધણના ઊંચા ભાવોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને તેને અન્યાય ગણાવ્યો હતો અને સામાન્ય માણસને ફાયદો થાય તે હેતુથી રાજ્ય સરકારોને “રાષ્ટ્રીય હિતમાં” વેટ ઘટાડવાની તાકીદ કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની કેન્દ્ર સરકારે નવેમ્બરમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં, ઘણા રાજ્યોએ વેટ ઘટાડવાની તેમની વિનંતીને ધ્યાનમાં લીધી ન હતી, અને સહકારી સંઘવાદની મૂળભૂત ભાવનાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કટોકટીના સમયે રાજ્ય સરકારોને કામ કરવા વિનંતી કરી હતી. તેમણે આ સંદર્ભમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુનું નામ પણ લીધું હતું.