બોલીવૂડના ધુરંધરો સારા નરસા પ્રોડક્ટસની એડ કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. ત્યારે સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને તાજેતરમાં જ એક જાણીતી તમાકુ કંપનીની કરોડો રુપિયાની ઓફર ટુકરાવી દીધી. ખરેખર અલ્લુએ તેના ડાયલોગ મુજબ દેખાડી દીધું કે પુષ્પા ઝૂકેગા નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપનીએ અલ્લુને એડ માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ તેણે તરત જ તે ફગાવી દીધી. અલ્લુનું કહેવું છે કે તે પોતાના ચાહકોની વચ્ચે કોઈ પણ ખોટી વસ્તુ પ્રમોટ કરવા માગતો નથી. તે તમાકુ ખાતો નથી. તેથી જ તેણે તમાકુ કંપનીની બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. બીજી બાજુ બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તમાકુની જાહેરાત ખુશી ખુશી કરી રહ્યા છે. અક્ષય તો તેના માટે ટ્રોલ પણ થયો. કારણ કે તે પોતાની કહેલી વાતથી ફરી ગયો.

અલ્લુના નિકટના લોકોનું કહેવું છે કે ફિલ્મમાં સ્મોકિંગ કરવું એક્ટરના હાથમાં નથી. જોકે તે પ્રયાસ કરે છે કે કોઈ બીજી વ્યક્તિ તમાકુનું સેવન ના કરે. તે આનાથી બચવા માટેના મેસેજ પણ આપતો હોય છે. અલ્લુ નથી ઈચ્છતો કે તેના ચાહકો આ તમાકુની જાહેરાત જોઈને તેને ખાવાનું શરૂ કરે અને તેઓ ખોટી આદતનો ભોગ બને. તે માને છે કે જે વસ્તુ તે ખાતો નથી તો તે કેમ તેને પ્રમોટ કરે? અજય દેવગન, શાહરુખ ખાન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી છે. આ અંગે સો.મીડિયા યુઝર્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો, કારણ કે અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તમાકુ કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઑફર કરે છે, પરંતુ તે સ્વીકારતો નથી.