ભારતીય બેડમિંટન સ્ટાર અને વર્લ્ડ રેન્કિંગમાં સાતમું સ્થાન ધરાવતી પી.વી. સિંધુએ ચીનની હે બિંગ્જીઓને ૨૧-૯, ૧૩-૨૧, ૨૧-૧૯થી હરાવીને બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સિંધુએ આ સાથે ભારત માટે મેડલ નિશ્ચિત કરી લીધો છે. હવે સેમિ ફાઈનલમાં તેની ટક્કર જાપાનની યામાગુચી સામે થશે. કોરોનાના કારણે બે વર્ષના વિરામ બાદ આ પહેલી વખત એશિયન ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. ચોથો ક્રમાંક ધરાવતી સિંધુએ વર્ષ ૨૦૧૪માં જીમ્ચેઓન ખાતે યોજાયેલી બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ વખતે ફાઈનલમાં પ્રવેશીને ગોલ્ડ મેડલ જીતવા માટેની દાવેદાર મનાય છે. સિંધુએ ચીની હરિફ સામે એક કલાક અને ૧૬ મિનિટના અત્યંત સંઘર્ષમય મુકાબલામાં જીત હાંસલ કરી હતી. હૈદરાબાદની ૨૬ વર્ષીય ખેલાડી સિંધુએ સઈદ મોદી ઈન્ટરનેશનલ અને સ્વિસ ઓપન એમ બે સુપર ૩૦૦ ટાઈટલ્સ જીત્યા હતા. ભારતની ટોચની મહિલા બેડમિંટન ખેલાડી સિંધુએ આ જીત સાથે બિંગ્જીઓ સામે ૧૬મી મેચમાં સાતમી જીત હાંસલ કરી હતી. જ્યારે નવ મેચ તે હારી ચૂકી છે. જોકે સિંધુએ બિંગ્જીઓ સામે આ સતત બીજી મેચ જીતી હતી. અગાઉ બંને ટોક્યો ઓલિમ્પિકમાં ટકરાયા હતા. જેમાં સિંધુએ જીત હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.