વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019 બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીર રાજ્યની મુલાકાત લેવાના છે અને કેન્દ્ર સરકારના વર્તુળો એ મીડિયા ને એવી માહિતી આપી છે કે વડાપ્રધાન ૨૪ મી એપ્રિલના રોજ રાજ્યની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન નેશનલ પંચાયતી રાજ દિવસ નિમિત્તે સંબોધન પણ કરવાના છે અને મહત્ત્વની બેઠકો પણ થવાની છે ત્યારે જમ્મુ કાશ્મીર રાજ્યની વડાપ્રધાનની મુલાકાતને ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે.

2019માં પાંચમી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો અને રાજ્યને 2 યુનિયન ટેરિટરી માં વિભાજિત કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઢી વર્ષ બાદ મુલાકાત થવાની છે. પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડાપ્રધાન જમ્મુમાં ગ્રામ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓને સંબોધિત કરશે અને મહત્વનો સંદેશ આપશે તેમજ કેટલીક મહત્વની જાહેરાત પણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે તેમ કેન્દ્ર સરકારના વર્તુળોએ જણાવ્યું છે.
પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન નો સંવાદ થવાનો છે. વડાપ્રધાનની જમ્મુ કાશ્મીર ની યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે ડીલીમીટેશન કમિશન દ્વારા પોતાની લગભગ પૂર્ણ કરવામાં આવી છે અને વિધાનસભાની વધુ ૭ બેઠકો ઉમેરવા માટેની કાર્યવાહી સંપન્ન થઇ રહી છે. જોકે તેની સામે સ્થાનિક રાજકીય પક્ષોના નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.