
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રણ વિધાર્થીઓની ઉત્તરવહીઓ બદલી કૌભાંડ આચરવાના બદલે યુનિવર્સિટીમાં ભારે હલ્લાબોલ મચી ગયો હતો. જે મામલે આજે કુલપતિ, રાજીસ્ટાર અને પરીક્ષા નિયામક સહિતના લોકોને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાંચે જવાબ લેવા બોલાવ્યા હોવાની સુત્રો દ્વારા માહિતી મળી છે.

એમબીબીએસ કૌભાંડ મામલે યુનિવર્સિટીમાં વિવિધ સંગઠનો દ્વારા કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્રો, પ્રતિક ધરણા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ કૌભાંડનો મામલો ઉચ્ચકક્ષાએ પહોંચતા તેના કસુરવારો સામે ઉચ્ચકક્ષાએથી તપાસ સમિતિની નિમણુંક કરવામાં આવી હતી અને આ સમીતીના સભ્યો દ્વારા કૌભાંડ મામલે રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવ્યો હતો.
આ કૌભાંડમાં યુનિવર્સિટીના કુલપતિ સહિત તેના અન્ય સહકર્મચારીઓ પણ સંડોવાયેલા હોઇ તમામ વિરુદ્ધ તપાસનો દોર ધમધમતો થયો હતો. ત્યારે આજે જાણવા મળ્યા મુજબ એમબીબીએસ કૌભાંડ મામલે કસુરવાર કુલપતિ સહિત આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય વ્યકિતઓને જવાબ લેવા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાંચનું તેડુ આવ્યુ હોવાનું યુનિવર્સિટીમાં ચર્ચાસ્પદ બન્યું છે.