ઉનાળાની સિઝનનું એક અનોખું ફળ એટલે રાયણ.. જે ચીકુના કુળનું ફળ ગણાય છે.વર્ષમાં ફક્ત એકવાર આવતું આ ફળ કુદરતી રીતે મીઠાસ ધરાવે છે અને એમાં પૌષ્ટીક તત્વોની ભરમાર હોય છે. હાલમાં એક કિલોના દોઢસોથી બસો રૂપિયાના ભાવે વેચાય છે.ત્યારે પાટણ બાલીસણા હાઇવે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને વટેમાર્ગુઓ હોંશે હોંશે રાયણની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
પાટણ તાલુકાના બાલીસણા ગામે ટીંડેશ્વર મહાદેવ વિસ્તારમાં રાયણના ઝાડ મોટી સંખ્યામાં આવેલા છે અને પુરાણ સમયમાં આ વિસ્તાર હિડમ્બા વન તરીકે જાણીતો હતો.હાલમાં પણ અહીં રાયણના 80 કરતા વધુ ઝાડ આવેલા છે જેની ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરવામાં આવે છે અને પટણી સમાજના લોકો તેને હરાજી માં ખરીદી સીઝનમાં રાયણ ઉતારવાનું અને વેચવાનું કામ કરે છે. જેના પર પચાસેક કુટુંબો પોતાનું ગુજરાન ચલાવે છે.

ગત સાલ કરતા ચાલુ સાલે ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.ગત સાલ રાયણનો ભાવ કિલોના પચાસ રૂપિયા હતો ચાલુ સાલે દોઢસો થી બસો થયો છે.હોળી પછી રાયણનું ફળ માર્કેટમાં આવવાનું શરૂ થાય છે અને અષાઢ મહિના સુધી બઝારમાં જોવા મળતું હોય છે.આ ફળને પકવવા કોઈ અન્ય પ્રક્રિયાની જરૂર પડતી નથી તેને સીધી પાકેલી ઝાડ પરથી ઉતારી વેચી દેવામાં આવે છે.
રાયણ માં કેલ્શિયમ,રીબોફ્લેવિન,નાઇટ્રોજન, ફોસ્ફરસ,નિયાસીન, આયર્ન, કેલરી અને ચરબી જેવા તત્વો હોય છે.અને ખાવામાં એકદમ મીઠી હોય છે. વર્ષમાં ફક્ત એક જ વાર ખાવા મળતી રાયણ આરોગ્ય માટે અને આયુર્વેદિક રીતે ગુણકારી હોય ઉનાળામાં લોકો હોંશે હોંશે ખાતા હોય છે.