પાટણ શહેરના પારેવા સર્કલ નજીક બે રખડતા આખલા વચ્ચે શિંગડાંયુદ્ધ જામતાં વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક નવ યુવાનોએ ધોકા, લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડી ભગાડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પાટણ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. ત્યારે રખડતાં ઢોરો દ્વારા માર્ગ વચોવચ્ચ અવારનવાર જામતા દ્વંદ્વયુદ્ધને કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો એનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મોતના મુખમાં ધકેલાયેલા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે છતાં નગરપાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતાં ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતાં પાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.
પાટણના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર વારંવાર જામતા આખલા યુદ્ધના કારણે નિર્દોષ લોકો એનો ભોગ બની રહેતા હોય છે. ત્યારે રખડતાં ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિદ્રામાંથી જાગી એને તાબે કરવાની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરે એવી માગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.