કસ્ટમ વિભાગના અધિકારીઓએ અટારી ખાતે ઈન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ (ICP) પાસેથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશરે 700 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું 102 કિગ્રા હેરોઈન જપ્ત કર્યું છે. હેરોઈનનો આ જથ્થો દિલ્હીના એક આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવેલી મુલેઠી (Liquorice)ના જથ્થા સાથે પેક કરવામાં આવેલો હતો.
કસ્ટમ ડ્યુટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મુલેઠીની ખેપનું એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે ડ્રગની તસ્કરી સામે આવી હતી. લાકડાંના ભારામાં કેટલાક અનિયમિત ધબ્બાં હોવાની શંકા બાદ કસ્ટમના કર્મચારીઓએ ભારી ખોલાવી હતી અને તપાસ દરમિયાન તેમાં કેટલાક નળાકાર લાકડાંના ટુકડા મુલેઠી ન હોવાનું સામે આવ્યું હતું.

આવા શંકાસ્પદ લાકડાંનું કુલ વજન 475 કિગ્રા જેટલું હતું અને તેમાંથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આશરે 700 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું 102 કિગ્રા હેરોઈન ભરેલું હતું. હેરોઈનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે ભારત લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબની ભગવંત માન સરકારે નશા વિરૂદ્ધ અભિયાન છેડેલું છે. જોકે તેમ છતાં નશાના ઓવરડોઝના કારણે અનેક યુવાનોના મોત થઈ રહ્યા છે.
દિલ્હીના એક આયાતકારે અફઘાનિસ્તાન સ્થિત વ્યાપારી એ નજીર કંપની મજાર-એ-શરીફ પાસેથી કુલ 340 બેગ મુલેઠી આયાત કરી હતી. કિબર સ્થિત રસદ અને માલ પરિવહન કંપની દ્વારા તેને ICP, અટારી ખાતે લાવવામાં આવી હતી. ગત 22 એપ્રિલના રોજ હેરોઈન સાથે મુલેઠીની ખેપ ICP, અટારીના એક કાર્ગો ટર્મિનલમાં ઉતારવામાં આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓ જે ક્લિયરિંગ એજન્સી ખેપને આગળ દિલ્હી મોકલવાની હતી તેની તપાસ કરી રહી છે.