મેક-ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને પીએલઆઇ સ્કીમ જેવી વિવિધ યોજનાઓ વચ્ચે પણ વધુ એક વિદેશી કાર કંપની નિસાન મોટર કોર્પોરેશને ભારતમાં તેના Datsun મોડલનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. જાપાનીઝ ઓટોમેકર કંપની નિસાને Datsunનું મહત્વાકાંક્ષી ગ્લોબલ રિ-લોન્ચિંગ નિષ્ફળ જતાં વર્ષ 2020માં રશિયા અને ઈન્ડોનેશિયામાં આ બ્રાન્ડને બંધ કર્યા બાદ અન્ય બજારોમાંથી તબક્કાવાર બહાર નીકળવાની યોજના બનાવી હતી. હાલના નિર્ણય સાથે Datsun ભારતમાં નવ વર્ષની કામગીરી બાદ વિદાય લેશે.

Datsun બ્રાન્ડ બંધ થવાના નિર્ણયની ખાતરી આપતા નિસાને જણાવ્યુ કે, તેની બ્રાન્ડ Datsun રેડી-ગોનું પ્રોડક્શન ચેન્નઇ સ્થિત પ્લાન્ટ (રેનોલ્ટ નિસાન ઓટોમોટિવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)માં બંધ થઇ ગયુ છે. જો કે જ્યાં સુધી Datsunનો સ્ટોક છે તેનું વેચાણ ચાલુ રાખશે. ઉપરાંત કંપની તેના નેશનલ ડિલરશીપ નેટવર્ક મારફતે ભારતમાં Datsun કારના માલિકોને આફ્ટર-સેલ્સ સર્વિસ, વિવિધ પાર્ટ્સની સપ્લાય અને વોરંટી સપોર્ટ આપવાનું ચાલુ રાખશે. ભારતમાં Datsunનું પ્રોડક્શન બંધ કરવુ એ વર્ષ 2020માં જાહેર કરેલી વૈશ્વિર રણનીતિનો એક ભાગ છે. નોંધનીય છે કે, નિસાન કંપનીએ અગાઉ Datsun બ્રાન્ડના અન્ય બે મોડલ- એન્ટી લેવલ સ્મોલ કાર ગો અને કોમ્પેક્ટ મલ્ટિ-પર્પઝ વ્કિલક ગો+નું પ્રોડક્શન બંધ કર્યુ હતુ.