નદીમાંથી રેતી ભરવાની ના પાડતા ચાર શખ્સોએ સરપંચના કાકાનું કર્યુ અપહરણ

Gujarat Fight

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના સરપંચે નદીમાંથી રેતી ભરવાની ના પાડતા ચાર શખ્સોએ સરપંચના કાકાનું અપહરણ કર્યુ હતું. તેઓને નજીકના અન્ય ગામની સીમ વિસ્તારમાં લઈ જઈ ધમકી આપીને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. આ અંગે ફરીયાદ કરતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના બાલોટ ગામના સરપંચ દિલીપભાઈ મેણંદભાઈ મકવાણાની ધંધુસર રોડ પર વાડી આવેલી છે. તેની વાડીએ જૂનાગઢના બાવન કટારા, નિતીન ખીમગીરી બાવાજી, ઉમટવાડાનો બાબુ મામદ હાલા અને નાંદરખીના જયસુખ હમીર કોળી એક કારમાં આવ્યા હતા અને સરપંચ દિલીપભાઈને જયસુખે તમારા ગામમાં રેતીના ટ્રેક્ટર હાંકવા છે તેમ કહ્યુ હતું. આથી સરપંચ દિલીપભાઈએ મારે ગામનો અભિપ્રાય લેવો પડે એમ કહી રેતીના ટ્રેકટર ચલાવવાની ના પાડી હતી. ત્યારે આ ચારેય શખ્સો જતા રહ્યા હતા.

બાદમાં દિલીપભાઈ પાઈપનો ડટ્ટો લેવા ગયા ત્યારે આ ચારેય ફરી વાડીએ આવ્યા હતા અને સરપંચના કાકા હરેશભાઇ ઉર્ફે હીરાભાઈ ગોવિંદભાઇ મકવાણાનું કારમાં અપહરણ કરી નજીકના ખામધ્રોળ ગામની સીમમાં લઈ જઈ ગાળો આપી હતી અને અમારા ટ્રેકટ૨ રેતી ભરવા જાય છે. રેતીનું ટ્રેકટર ભરાઈને આવશે પછી તને છોડશું એમ કહી બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. દિલીપભાઈએ જયસુખ કોળીના ફોનમાં ફોન કરતા અમને રેતી ભરવા નહીં દયો તો તારા કાકાને પતાવી દઈશું એવી ધમકી આપી હતી. બાદમાં ભૂપતે બે શખ્સને બોલાવતા તે શખ્સો હરેશભાઇ ઉર્ફે હીરાભાઈને નાંદરખી મુકી ગયા હતા. આ ઘટના અંગે હીરાભાઈએ ફરીયાદ કરતા વંથલી પોલીસે ચારેય શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *