ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગઇકાલે બુધવારે બપોર બાદ વાતાવરણના પલટાને કારણે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. સાથે સાથે ઉનાળુ પાક પર પણ જોખમ ઊભું થયું છે. આ સાથે જ આજે ગુરૂવારે વહેલી સવારે જિલ્લાના અમુક સ્થળો પર છૂટો છવાયા સ્થળોએ માવઠું થયું છે.

ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણનો મિજાજ બદલાયો છે. ગઇકાલે બુધવારે બપોર બાદ આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. રોડ ભીંજવે તેવો સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થાય તેવી દહેશત ખેડૂતોને સતાવી રહી છે.
આવા વાતાવરણને કારણે ઉનાળુ પાકને માઠી અસર પહોંચશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. ઠાસરા, ડાકોર તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ઉનાળામાં વરસાદી છાંટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આવા વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે.