
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)એ સોમવારે વિશ્વભરની મોટી સેનાઓના ખર્ચનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે2021માં વિશ્વ લશ્કરી ખર્ચ 2.1 ટ્રિલિયન અમેરિકન ડોલરના અત્યાર સુધીના સોથી ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ટોચના 3 સૈન્ય ખર્ચ કરનારા દેશોમાં અમેરિકા, ચીન અને ભારતનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, 2021માં વૈશ્વિક સૈન્ય ખર્ચ 0.7% વધીને 2113 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે. 2021માં સેના પર સૌથી વધુ ખર્ચ કરનાર પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ભારત, યુનાઇટેડ કિંગડમ અને રશિયાનો સમાવેશ થાય છે. આ 5 દેશોએ જ કુલ ખર્ચના 62% ખર્ચ કર્યા છે.SIPRIના સૈન્ય ખર્ચ અને શસ્ત્ર ઉત્પાદન કાર્યક્રમના સીનિયર રિસર્ચર ડૉ. ડિએગો લોપેઝ દા સિલ્વાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી સામે આવેલ આર્થિક મંદી વચ્ચે પણ લશ્કરી ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ફુગાવાના કારણે વિકાસ દરમાં મંદી જોવા મળી હતી. જો કે, લશ્કરી ખર્ચમાં 6.1% નો વધારો થયો છે. ગયા વર્ષે ભારતનો સૈન્ય ખર્ચ 76.6 બિલિયન અમેરિકન ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. એટલે કે સરકારે 2020ની સરખામણીમાં 0.9%નો વધારો કર્યો છે. ભારતનો 76.6 બિલિયન યુએસ ડોલર એટલે કે રૂ. 5.87 લાખ કરોડનો સૈન્ય ખર્ચ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. તે 2020 થી 0.9% અને 2012 થી 33% વધુ છે. 2021ના સૈન્ય બજેટમાં સ્વદેશી શસ્ત્ર ઉદ્યોગને મજબૂત કરવા માટે 64% બજેટ ફાળવવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે 2021માં અમેરિકાનો સૈન્ય ખર્ચ 801 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયો, જે 2020ની સરખામણીએ 1.4% વધુ છે. છેલ્લા 10 વર્ષોમાં અમેરિકાએ લશ્કરી સંશોધન અને વિકાસ માટેના બજેટમાં 24%નો વધારો કર્યો અને શસ્ત્રોની ખરીદી પર ખર્ચમાં 6.4% ઘટાડો કર્યો છે. બીજા ક્રમે ચીન છે, જેણે ડિફેન્સ પર 293 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કર્યો હતો. જે 2020ની સરખામણીમાં 4.7% વધુ હતો. બ્રિટને ગયા વર્ષે સંરક્ષણ પાછળ 68.4 બિલિયન ડોલર ખર્ચ્યા હતા, જે 2020ની સરખામણીમાં 3% વધારે છે. જ્યારે, બે મહિનાથી યુક્રેન પર હુમલો કરી રહેલા રશિયાએ સંરક્ષણ ખર્ચમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. રશિયાએ 2021માં તેનો લશ્કરી ખર્ચ 2.9% વધારીને 65.9 બિલિયન અમેરિકન ડોલર કર્યો હતો. આ એ જ સમય હતો જ્યારે યુક્રેનની સરહદ પર તે પોતાની સેનાઓ મોકલી રહ્યું હતુ.