દિલ્હીમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલું જ છે. દેશની રાજધાનીમાં 72 વર્ષમાં બીજી વખત એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડી છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે શહેરમાં આગામી બે દિવસ સુધી હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 1 મે સુધી દિલ્હી અને પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જારી કર્યું છે.

જોકે, 2 મે બાદ આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે તાપમાનનો પારો નીચે આવવાની ધારણા છે જેના કારણે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગુરૂવારે દિલ્હીમાં 12 વર્ષ બાદ એપ્રિલ મહિનામાં સૌથી વધુ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અક્ષરધામ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. દિલ્હીમાં આ સૌથી વધુ તાપમાન રહ્યું છે. ગઈકાલે ત્યાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સફદરજંગમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

યુપીના પ્રયાગરાજમાં 45.9 ડિગ્રી સેલ્સિયસ, ખરગોનમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ, અકોલામાં 45.4 ડિગ્રી સેલ્સિયસ, ખજૂરાહોમાં 45.6 ડિગ્રી સેલ્સિયસ, જલગામમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હીટ વેવનો પ્રથમ સ્પેલ 11 માર્ચથી 19 માર્ચની વચ્ચે આવ્યો હતો. ત્યારબાદ બીજા સ્પેલની શરૂઆત 27 માર્ચે થઈ જે 12 એપ્રિલ સુધી ચાલ્યો હતો. 17 એપ્રિલે હીટવેવના ત્રીજા સ્પેલે દસ્તક આપી હતી. 24 એપ્રિલથી શરૂ થયેલ ચોથી હીટવેવે કચ્છ-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના વિસ્તારોને પ્રભાવિત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.