દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં પાણી ભરવાને લઈને થયેલા ઝગડામાં એક મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. બચાવ માટે ગયેલા પતિનો પણ આરોપીએ હાથ કાપી નાખ્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે 6 ટીમ બનાવી છે અને દરેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વસંત કુંજના દલિત એકતા કેમ્પમાં પાણી ભરવા માટે થયેલા ઝઘડા બાદ એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે.
મહિલાના પુત્રએ આરોપ લગાવ્યો છે કે, આરોપીએ છરી વડે તેમની માતાનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. તેમના પિતા બચાવવા માટે ગયા તો તેમના પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો આરોપી અને તેમના પરિવારના આતંકથી ખૂબ જ ડરી ગયા છે. શ્યામ કલા પોતાના પરિવાર સાથે દલિત એકતા કેમ્પમાં ઝૂપડપટ્ટીમાં રહે છે. 26 એપ્રિલે સવારે લગભગ 6:00 વાગ્યે શ્યામ કલા પોતાના ઘરની બહાર પાણી ભરી રહી હતી તે સમયે તેમના પાડોસી અર્જુન અને તેમના પરિવાર સાથે પાણી ભરવાને લઈને ઝઘડો થઈ ગયો હતો.

પાડોશી અર્જુન પહેલેથી જ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો હતો. ઝઘડો ચાલી રહ્યો હતો તે દરમિયાન અર્જુન મોટી છરી લઈને આવ્યો અને મહિલાનું ગળુ કાપી નાખ્યું હતું. આટલું જ નહીં આરોપી દ્વારા મહિલાનો બચાવ કરવા આવેલા પતિના હાથ પર પણ છરી વડે હુમલો કરવામાં આવતા તે પણ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા છે. ત્યારબાદ આરોપી ગલીમાં બધાને છરી બતાવી ધમકી આપવા લાગ્યો હતો.
લોકોને ધમકી આપતા આરોપી અર્જૂને કહ્યું કે, જો કોઈએ પોલીસને ફોન કર્યો અથવા આ ઝઘડામાં આવ્યા તો તેમને પણ જાનથી મારી નાખીશ. એક તરફ મૃતક મહિલાનો પુત્ર આરોપ લગાવી રહ્યો છે કે, માત્ર પાણી ભરવાના વિવાદમાં તેની માતાની હત્યા કરવામાં આવી છે તો બીજી તરફ અહીં રહેતા લગભગ તમામ લોકો આરોપી અર્જુન અને તેના પરિવારના ડર વિશે જણાવી રહ્યા હતા.