દિલ્હીમાં હનુમાન જયંતિના દિવસે થયેલ પથ્થરમારા મામલે હવે ટોચની તપાસ એજન્સીની પણ એન્ટ્રી થઈ શકે છે. અહેવાલ અનુસાર હવે જહાંગીરપુરીમાં હિંસા અને પછી તોડફોડ મામલે ED ઝંપલાવી શકે છે. દિલ્હીમાં આ રમખાણ બાદ હંગામો મચ્યો છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં (Jahangirpuri Violence) ગેરકાયદે બાંધકામો તોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે હવે દિલ્હી પોલીસ કમિશનરે EDને એક પત્ર લખ્યો છે.

કમિશનરે EDને જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અંસાર જહાંગીરપુરીમાં થયેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર VHP પ્રાંત અધ્યક્ષ કપિલ ખન્ના લગભગ 10 લોકો સાથે જહાંગીરપુરી પહોંચ્યા છે. અહીં તે સુકેનના પરિવારને મળ્યાં છે. તે જહાંગીરપુરીના જી બ્લોકમાં રહે છે. સુકેન અને પરિવારના સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
VHPના મંત્રી સુરેન્દ્ર ગુપ્તાનું કહેવું છે કે, બાકીના આરોપીઓની જેમ જ સુકેન અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પણ એ જ FIR નોંધવામાં આવી છે. આ કેસમાં સુકેન પોતે ઘાયલ થયો હતો. આ સિવાય દળના નેતાઓનો પણ ત્યાં પહોંચવાનો સિલસિલો શરૂ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદનું એક પ્રતિનિધિમંડળ સવારે જહાંગીરપુરી પહોંચી ગયું છે. બાકીના TMC, CPIનું પ્રતિનિધિમંડળ પણ આજે હિંસાગ્રસ્ત જહાંગીરપુરી જશે.