ગુજરાત રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેની યોજનાઓ અમલી બનાવવાની વાત કરવામાં આવે છે. ખેડૂતોને વિશ્વાસ ઉભો થતા ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાના બાગાયતી પાક કરતા ખેડૂતો દ્વારા આ ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શકાય છે. જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં 70 હજાર હેકટરમાં બાગાયતી પાકોનું વાવેતર થયું છે. જેમાં મહત્તમ કેરીના પાકનું વધારે વાવેતર કરવામાં આવે છે. કેરીના પાકને નુકસાન થતા મુખ્યમંત્રીને પત્ર લખીને સહાયની માંગ કરવામાં આવી છે.

ખેડૂતો દ્વારા વધુ કેરીનો પાક મળે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ કરવામાં આવેલો છે. પરંતુ આખુ વર્ષ વાદળ છાયુ વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડ ફ્લાવરીંગ તેમજ મોરીયા ન બેસતા આ વર્ષે માંડ ૩0% જેટલો જ પાક અને તે પણ નબળો પાક મળવાનો છે. ત્યારે બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારની હાલત ખૂબ જ કફોડી થઈ છે.

ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે, ખેડૂતો મોંઘવારીનો માર અને કમોસમી વરસાદ તથા અકુદરતી વાતાવરણના પરિણામે બંને બાજુથી સહન કરવુ પડે તેવી દયાજનક સ્થિતિ આવી છે. ત્યારે સરકાર રાજયના દરેક નાગરિકની મુશ્કેલીમાં હંમેશા પડખે ઉભી રહી છે. દરેક ક્ષેત્રે ‘સરકાર હંમેશા સૌની દ૨કાર કરે છે.ત્યારે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના પરિણામે દક્ષિણ ગુજરાતના કેરી પાકને અંદાજીત 500 કરોડનું નુકસાન થવા જઈ રહ્યુ છે. જે એક સામાન્ય કૃષિ પરિવાર માટે ખૂબ જ અસહ્ય છે.