કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ત્રાસવાદ ને માનવ અધિકારોના ઉલ્લંઘનનું સૌથી મોટું સ્વરૂપ છે. આથી આ ભયંકરતાને ઉખેડી ફેંકી દેવાની અનિવાર્યતા ઉભી થઇ છે. સાથે જનસામાન્યના અધિકારો રક્ષવા જરૂરી બન્યા છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) ની ૧૩મા સ્થાપના દિને કરેલાં સંબોધનમાં તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદને નાણાં પૂરાં પાડતી સંસ્થાઓ ઉપર કરાઈ રહેલી કાનૂની કાર્યવાહીને લીધે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રાસવાદ ઉપર ઘણી લગામ લાગી ગઈ છે.

તેઓએ કહ્યું હતું કે હું તો માનું છું કે ત્રાસવાદથી વધુ માનવ અધિકાર ભંગ કરનાર બીજું કશું જ નથી. તેથી ત્રાસવાદને જડમૂળથી ઉખેડી માનવ અધિકારોને રક્ષવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે ટેરરિઝમ વિરૂદ્ધ ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવી છે, અને તે આ ભયંકરતાને ભારતમાંથી ઉખેડીને ફેંકી દેવા કટીબધ્ધ બની છે.
અમિત શાહે NIA ની કાર્યવાહીને બીરદાવતાં કહ્યું હતું કે તેણે જમ્મુ અને કાશ્મીરમાં નાણાં પૂરા પાડતી સંસ્થાઓ ઉપર કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાથી ત્રાસવાદી કૃત્યો માટે નાણાં પહોંચાડવાં ઘણાં મુશ્કેલ બની રહ્યાં છે. આ ઉપરાંત આ એજન્સીએ જમ્મુ અને કાશ્મીરમાં રહેલાં ત્રાસવાદી જૂથો ઉપર કડક પગલાં લેવા સાથે તેમની ટેકારૂપ તથા પૂરવઠા માટેની શૃંખલા રૂંધી નાખી તેમની તાકાત તોડી નાખી છે, તે સરાહનીય છે.