તેલંગણામાં વધુ એક ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગતા એક વ્યકિતનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે. આ ઘટના પછી સ્થાનિક પોલીસે ઇ સ્કૂટર મેન્યુફેકચર પ્યોર ઇવી સામે એફઆઇઆર દાખલ કરી છે. આ દરમિયાન સ્કૂટર નિર્માતા કંપનીએ નિઝામાબાદમાં ઇવી બેટરી વિસ્ફોટ અંગેની તાજેતરની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.

તેણે વધુમાં જણાવ્યું છે કે સ્થાનિક તપાસ ટીમને તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે.ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. પ્યોર ઇવી સ્કૂટરમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે. મંગળવારે વરાંગલમાં પ્યોર ઇવીના એક સ્કૂટરમાં આગ લાગી હતી.
પ્યોર ઇવીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમને આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે અને અમારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. અમે આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યાં છીએ. આ અગાફ સપ્ટેમ્બર, ૨૦૨૧માં પણ પ્યોર ઇવીના બે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.ગયા મહિને ચેન્નાઇમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.મહારાષ્ટ્રના નાશિકમાં ૯ એપ્રિલે જીતેન્દ્ર ઇવીના ૨૦ ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગી હતી.