ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-3 ની પ્રાથમિક કસોટી તા.24 એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના 118 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે. જેમાં 36,754 ઉમેદવાર પરીક્ષા આપશે જેના માટે તંત્રએ આયોજન સાથે તૈયારી કરી છે. આ પરીક્ષા દરમ્યાન તા.24 ના સવારના 10 કલાક થી સાંજના 3 કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમ્યાન નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટર વિસ્તારના કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્દ્રની આસપાસનાં 200 મીટરના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ-મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાનાં વિદ્યાર્થીઓને જૂનાગઢ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ પરીક્ષા સેન્ટર આપવામાં આવેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાંથી પરીક્ષાર્થીઓ સરળતાથી પહોંચી શકે તેમજ પરીક્ષાર્થીઓને સુવિધા મળી રહે તે હેતુથી જૂનાગઢ તરફ આવવા માટે તા.24 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યાથી શરૂ કરી દર 30 મીનીટે વેરાવળ-જૂનાગઢ વચ્ચે એક્સ્ટ્રા બસ ઓન લાઇન રીઝર્વેશન (એડવાન્સ બુકીંગ) માં સમાવેશ કરવામાં આવશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયે જૂનાગઢથી વેરાવળ તરફ જવામાટે 1:30 કલાકથી શરૂ કરી દર અડધી કલાકે એક્સ્ટ્રા બસ દોડશે અને તેનું ઓનલાઇન રીઝર્વેશન (એડવાન્સ બુકીંગ) માં સમાવેશ કરવામાં આવેલ છે.