જામનગરમાં (Jamnagar) લાંબા સમય બાદ ડીમોલેશન (Demolition in Jamnagar) પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે વહેલી સવારથી જ જામનગર શહેરના 49 દિગ્વિજય પ્લોટ થી રણજીત નગર લેઉવા પટેલ સમાજ સુધી 1.5 કિમીનો રસ્તો ખુલ્લો કરાવવા ડીમોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક આંગણવાડી, 1 રહેણાંક મકાન અને 18 કોમર્શિયલ સહિત 20 જેટલા બાંધકામ તોડી પાડવા ડીમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ડી.પી અનુસાર સરકારમાંથી 1,જૂન,2017ના મંજૂરી મળ્યા અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની સૂચનાથી સીટી એન્જિનિયર ભાવેશ જાની, એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી એન. આર. દીક્ષિત,રાજભા ચાવડા, રાજભા જાડેજા સહિતના સ્ટાફે ડીમોલેશન પ્રક્રિયા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી આરંભી છે. વહેલી સવારથી જ કાર્યવાહીનો પ્રારંભ કરતા સ્થાનિકો પણ રોષે ભરાયા હતા. જોકે પોલીસ બંદોબસ્ત હોવાના કારણે સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશન આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.
જામનગરમાં ઘણા લાંબા સમયથી ડીમોલેશન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. કોરોના કાળ બાદ ફરી એક વખત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડેવલોપમેંટ પ્લાન ની અમલવારી શરૂ કરવામાં આવી છે શહેર ના અનેક વિસ્તારોમાં ટીપી,ડીપી સ્કીમ આધારિત ડીમોલેશન પ્રક્રિયા ખોરંભે ચડી હતી. જે શરૂ કરવામાં આવી છે. જામનગરમાં નવા એસ પ્રેમસુખ ડેલું નિમણૂક થતા જ ડીમોલેશન પ્રક્રિયા શરૂ થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો.