દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર MCDએ બુધવારે બુલડોઝર ચલાવડાવી કડક કાર્યવાહી કરી હતી. જેની પર સુપ્રીમ કોર્ટે ગઇ કાલે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ‘જહાંગીરપુરીમાં હાલ બુલડોઝર નહીં ચલાવાય. જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્ રહેશે.

બે સપ્તાહ બાદ ફરી આ મામલે સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના રોજ થયેલી હિંસા બાદ બુધવારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં લગભગ 7 જેટલાં બુલડોઝર જહાંગીરપુરી પહોંચ્યા હતાં. જેના દ્વારા રસ્તામાં પડેલો સામાન દૂર કરવામાં આવ્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે લગભગ 1500 સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરાયા હતાં. આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત 100 કર્મચારીઓ પણ હાજર હતાં. નોંધનીય છે કે, 20 અને 21 એપ્રિલના રોજ એમ બે દિવસ સુધી જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવાની કાર્યવાહી થવાની હતી.
સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દેતા એટલે કે કોર્ટે હાલ જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હોવાથી દબાણ હટાવવાની કાર્યવાહી સ્થગિત કરાઇ હતી. જો કે આ મામલે આજે સુનાવણી હતી. તાજેતરમાં જ દેશમાં તમામ જગ્યાએ રમખાણો થયા છે. ત્યારે આ રમખાણો બાદ યુપી અને એમપીમાં પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ચલાવવાનો મામલો સામે આવ્યો છે.