વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને અનેક મોટી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે જમ્મુના સાંબા જિલ્લાના પલ્લી ગામ ખાતે સ્થાપિત INTACH ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની સાથે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી ત્યાં પોતાની મૂર્તિ બનાવનારા મૂર્તિકારને પણ મળ્યા હતા.
વડાપ્રધાન મોદીના પલ્લી પ્રવાસ દરમિયાન જમ્મુના પ્રસિદ્ધ મૂર્તિકાર રવિન્દ્ર જામવાલ દ્વારા બનાવવામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 6 ફૂટ ઉંચી પ્રતિમાને પણ સભાસ્થળે પ્રદર્શિત કરવામાં આવી હતી. INTACH ફોટો ગેલેરીમાં વડાપ્રધાન મોદીની પ્રતિમા પ્રદર્શિત કરવાની મંજૂરી મળવાથી અને વડાપ્રધાન મોદીને મળીને મૂર્તિકાર જામવાલ ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે.

રવિન્દ્ર જામવાલે વડાપ્રધાન મોદીના સન્માન માટે ફાઈબર ગ્લાસની આ પ્રતિમા માત્ર 15 જ દિવસમાં તૈયાર કરી હતી. મૂર્તિકાર રવિન્દ્રને વડાપ્રધાન પલ્લી ખાતે આવી રહ્યા છે તેવી જાણ થઈ એટલે તરત જ તેઓ પ્રતિમા તૈયાર કરવામાં લાગી ગયા હતા. આશરે 80,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમાને અંતિમ સ્વરૂપ આપવા માટે પઠાણકોટથી કારીગર પણ બોલાવવામાં આવ્યો હતો.
રવિન્દ્રને અંતિમ સમય સુધી પ્રતિમા લગાવવા માટે મંજૂરી નહોતી મળી શકી પરંતુ શનિવારે મંજૂરી મળ્યા બાદ તેઓ તરત જ મૂર્તિ લઈને સભાસ્થળે પહોંચ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ પ્રતિમાને સભાસ્થળે ગોઠવવામાં આવી હતી અને રવિન્દ્રને તેની નજીક ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું.