વાંસ વનોના ઉછેર અને રક્ષણમાં યોગદાન આપનારી 19 જેટલી સહભાગી વનીકરણ મંડળીઓના સદસ્યો અને સંબંધિત ગામોના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે 3 લાખ બાબું પોલ્સ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જંગલ એ દેશ, રાજ્ય અને સમાજની સંપદા છે. તેના ઉછેર, વિસ્તાર અને રક્ષણની જવાબદારી આમ તો વન વિભાગની છે. પણ લોક સહયોગ વગર આ ભગીરથ કામ અશક્ય છે. જે લોકો જંગલને સાચવે છે, જંગલ એમને સાચવે છે.

આ ઉક્તિને સાર્થક કરતી એક ઘટના હાલમાં છોટાઉદેપુરના આરક્ષિત વન વિસ્તારમાં ઘટી રહી છે. આ ક્ષેત્રની નવ જેટલી રેન્જ હેઠળના કેટલાક વિસ્તારમાં સઘન વાંસ વનો આવેલા છે. હાલમાં આ વાંસ વનોના જે પાકટ કે પરિપક્વ થઈ ગયાં છે તેવા વાંસની, આ સંપદાને સાચવનારી વન મંડળીઓના સહયોગથી કટાઈ કરવામાં આવી રહી છે. તેનાથી અંદાજે 8 લાખ જેટલા કિંમતી વાંસ દંડા એટલે કે બાંબૂ પોલ (સ્થાનિક ગામઠી ભાષામાં કહીએ તો વાંહડા) મળશે એવો અંદાજ છે.

આ પૈકી 3 લાખ જેટલા બાંબુ પોલ્સ, આ જંગલને સાચવીને ઉછેરનારી અને તેનું રક્ષણ કરનારી 19 જેટલી સહભાગી વનીકરણ મંડળીઓના સદસ્યોને અગ્રતા ક્રમે અને તે પછી મંડળીઓના ગામોના લોકોને જરૂર અને ઉપલબ્ધિ પ્રમાણે વિતરણ કરવાનું આયોજન નાયબ વન સંરક્ષક વિષ્ણુ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને હાલમાં વિતરણ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.