ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) બુધવારે અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) વિરુદ્ધ નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધી છે. આ સમગ્ર મામલો 2017નો છે, જ્યારે શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર તેની ફિલ્મ ‘રઈસ’નું પ્રમોશન કરી રહ્યો હતો, તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વડોદરાના રહેવાસી જીતેન્દ્ર સોલંકીએ ફેબ્રુઆરી 2017માં શાહરૂખ ખાન વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ, અભિનેતાએ તેના ટ્રેનના કોચમાંથી ભેટ તરીકે સ્માઈલી સોફ્ટ બોલ, ટી-શર્ટ અને ગોગલ્સ રેલ્વે સ્ટેશન પર એકઠા થયેલા લોકો તરફ ફેંક્યા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું.

શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન માટે અગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુંબઈથી દિલ્હી ગયો હતો. આ ક્રમમાં તે વડોદરા રેલ્વે સ્ટેશન પર રોકાયો હતો. શાહરૂખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને રેલવે એક્ટ હેઠળ અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકતા કૃત્ય માટે કેસ નોંધવામાં આવ્યો હતો. શાહરૂખ પર આરોપ હતો કે તેનું કૃત્ય બેદરકારીભર્યું હતું. આ મામલામાં ચુકાદો સંભળાવતા જસ્ટિસ નિખિલ કરીલની બેન્ચે કહ્યું કે અભિનેતાના કૃત્યને બેદરકારીભર્યું કૃત્ય કહી શકાય નહીં.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે અભિનેતા દ્વારા કરવામાં આવેલા કૃત્યથી ભીડના કેટલાક સભ્યો ઉત્સાહિત થઈ શકે છે, પરંતુ તેને બેદરકાર કહી શકાય નહીં. આ સિવાય તે એક એક્ટર છે અને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. અભિનેતા પર જે કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, તેની સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. કોર્ટમાં રજૂ કરાયેલ તપાસ રિપોર્ટના આધારે જસ્ટિસે કહ્યું કે તે સમયે કેટલાક સંજોગો એવા હોવા જોઈએ જેના કારણે રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી.