ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસો સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ યલો અલર્ટ યથાવત રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમ સુકા પવનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બીજી તરફ ગત રોજ અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અથવા આવતીકાલે તાપમાન 44ને વટાવી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. મહત્વનું છે કે, સોમવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયુ છે.
રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગઈકાલે આમ અમદાવાદમાં ગરમીનું તાપમાન સૌથી ઉંચુ 42.1 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 41.2, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન અને વડોદરા, સુરત, ભુજમાં પણ 40 ડિગ્રીને પાર તાપમાન નોધાયું હતું. મહત્વનું છે કે કાળઝાળ ગરમીથી બચવા માટે કામ સિવાય બહાર ન નીકળવા હવામાન વિભાગે દરેક જનતાને અપીલ કરી છે.