
ગાંધીનગરમાં ચાલતા LRD આંદોલન સમયે આંદોલનકારીઓ સાથે સક્રિય ભૂમિકા ભજવનાર ગાંધીનગરનાં વકીલની સેકટર-3માં આવેલી ઓફિસ આગળ પાર્ક કરેલી ડયૂટની ડેકી તોડી રૂ. 2 લાખની ઉઠાંતરી કરીને નાસી જનારા પેથાપુર ગામના બે શખ્સો તેમજ તેના સાગરિતને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેકટર-11 રામલીલા મેદાન નજીકથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ ઉક્ત ગુના સહિત અન્ય એક બાઈક ચોરીનો પણ ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર-14 ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા વકીલ રજનીકાંત હરેશભાઈ ચૌહાણ સેકટર 3 /એ ખાતે આવેલા લાભ કોમ્પલેક્ષમાં દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવી સમાજ સેવા કરી રહ્યા છે. દોઢેક માસ અગાઉ રજનીકાંતભાઈ તેમના મિત્રને પૈસા આપવાના હોવાથી સેકટર-10માં આવેલી એસબીઆઈ બેંકમાંથી રૂ. 2.50 લાખ ઉપાડીને ડયૂટની ડેકીમાં મૂક્યા હતા અને સેકટર 3માં આવેલી પોતાની ઓફિસ આગળ ડયૂટ પાર્ક કરીને જમવા ગયા હતા.
આ દરમિયાન કોઈ ઈસમોએ ડેકીમાંથી રૂ. 2 લાખ ચોરી લીધાની ફરિયાદ સેકટર 7 પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે અન્વયે ઉક્ત ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્સ્પેક્ટર જે જી વાઘેલાએ બાતમીદારોને સક્રિય કરી તપાસનો દોર હાથ ધર્યો હતો. ત્યારે ઉક્ત ચોરીના પૈસાની વહેંચણી કરવા ત્રણ ઈસમો સેકટર – 11 રામલીલા મેદાન ભેગા થવાના હોવાની બાતમી મળતાં પેથાપુર વાડીવાળો વાસમાં રહેતા હેમંત હજારીલાલ ખત્રી, તરુણ ગોપીલાલ પ્રજાપતિ (હાલ રહે. નાયીવાસ, પેથાપુર) તેમજ પ્રતીક નરેશભાઈ સોનેજી (રહે. ડી/105, કોડી કમ્પાઉન્ડ રાજકોટ)ને ઝડપી લેવાયા હતા.
આ અંગે એલસીબીના પીઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, આર્થિક તંગી તેમજ દેવું વધી જતા ત્રણેય આરોપીઓએ ભેગા મળીને બેંકમાં નાણાં કરતા લોકોની રેડી કરી લોક કરવાનો પ્લાન કર્યો હતો જે માટે તેમણે એક માસ અગાઉ ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડમાંથી બાઈક પણ ચોરેલું હતું. જેનાં પર બેસી બેંકો આગળ રેકી કર્યા કરતા હતા.
રાજકોટનો પ્રતીક સોનેજી સેક્ટર 16 ગેસ્ટ હાઉસમાં રોકાતો હતો. બાદમાં તેઓએ સેકટર-10 SBI બેંક આગળથી રેકી કરી સેકટર 3માં ઉક્ત ગુનાને અંજામ આપ્યો હતો અને અમુક પૈસાની વહેંચણી કરવા સેકટર 11માં ભેગા થતા પકડાઈ ગયા છે. જેમની પાસેથી ત્રણ મોબાઈલ, રૂ. 1 લાખ 30 હજાર રોકડા તેમજ ચોરીનું બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.