- સોમવારે રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, સરવે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ
- રાજકોટમાં આવતીકાલે કાગવડ ખોડલધામ ખાતે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક યોજાશે

લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટમાં ફરી એક વખત આંતરિક વિવાદ સામે આવ્યો છે. સોમવારે પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, સરવે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ. જયારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે. ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે.
વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ
હાલ ખોડલધામમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ થઇ છે.કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદનએ તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ

સર્વેમાં શું સામે આવે તેના પર સૌ કોઇની નજર
ઉલ્લેખનીય છે કે, રમેશ ટીલાળાએ નરેશ પટેલના અંગત વ્યક્તિઓમાં એક વ્યક્તિ છે અને તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ત્યારે રમેશ ટીલાળાના નિવેદનને પ્રવક્તા એ અંગત નિવેદન ગણાવ્યું છે ખરા પરંતુ તેના નિવેદનને નકારી શકાતું નથી. આ મતમતાંતર બાદ ખોડલધામના સર્વેમાં શું સામે આવે તેના પર સૌ કોઇની નજર છે રાજકોટમાં આવતીકાલે કાગવડ ખોડલધામ ખાતે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક યોજાશે.મહાસભા અંગે આવતીકાલની બેઠકમાં ચર્ચા થવાની શકયતા છે. જ્યાં ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને સર્વેમાં સર્વે પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. આવતીકાલની બેઠકનો કાર્યક્રમ નીચે મુજબ છે.
બેઠકનો કાર્યક્રમ
11:00 થી 11:30 – ખોડલધામ મંદિર ટ્રસ્ટની બેઠક
11:30 થી 12:00 – સરદાર પટેલ કલચર ફાઉન્ડેશનની બેઠક
12:00 થી 12:30 – સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ટ્રસ્ટીઓની બેઠક
12:30 થી 01:00 – ઓલ ગુજરાતના કન્વીનરોની બેઠક