ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આઇપીએલમાં કંગાળ ફોર્મનો શિકાર બનેલા વિરાટ કોહલીની તરફેણ કરતાં કહ્યું હતુ કે, કોહલી માનસિક રીતે થાકી ગયો છેે અને તેને ક્રિકેટમાંથી થોડો આરામ આપવાની જરુર છે. તે હજુ પણ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી વધુ છ-સાત વર્ષ સુધી રમી શકે તેમ છે. જોકે આ માટેે તેેને પુરતો આરામ મળે તે જોવું જોઈએ. કોહલીએ ચાલુ સિઝનની ૭ મેચમાં ૧૯.૮૩ની સરેરાશથી ૧૧૯ રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર ૪૮ રનનો છે. છેલ્લે રમાયેલી લખનઉ સામેની મેચમાં કોહલી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. તેને શ્રીલંકાના ચામીરાએ આઉટ કર્યો હતો. ૩૩ વર્ષના બેટ્સમેને તમામ ફોર્મેટમાં થઈને કુલ મળીને છેલ્લી ૧૦૦ મેચથી સદી ફટકારી નથી. ભારતીય ટીમના કેપ્ટન તરીકેના તેના કાર્યકાળનો અંત આવી ગયો હતો. તેણે બેંગ્લોરની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી.

આઇપીએલમાં કોમેન્ટ્રી કરી રહેલા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે વિરાટ કોહલી ખુબ જ થાકી ગયો છે. જો કોઈને બ્રેકની જરુર છે, તો તે કોહલી છે. કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કે પછી બ્રેક આપવામાં આવે તે જરુરી છે. તેને એટલા માટે આરામ આપવો જોઈએ કારણ કે તેનામાં હજુ છ-સાત વર્ષ સુધી રમવાની ક્ષમતા છે. શાસ્ત્રીએ કહ્યું કે, જ્યારે હું કોચ બન્યો ત્યારે જ મેં કહ્યું હતુ કે, ખેલાડીઓ તરફ સહાનુભૂતિ રાખવી જોઈએ. જો તેમની સાથે બળજબરી કરવામાં આવે તો તેમના પર્ફોમન્સ પર ગંભીર અસર થઈ શકે છે. આ કારણે સ્ટાર ખેલાડીઓ સાથે ખુબ જ કાળજીપૂર્વક વર્તવુ જોઈએ. વિશ્વ ક્રિકેટમાં એકાદ-બે ખેલાડીઓ જ એવા છે કે, જેમની કાળજી લેવાની જરુર છે. સાઉથ આફ્રિકામાં જન્મેલા ઈંગ્લિશ ક્રિકેટર પીટરસને પણ કોહલીને આરામ આપવાની વકાલત કરતાં કહ્યું હતુ કે, કોહલીએ ક્રિકેટમાંથી અને સોશિયલ મીડિયામાંથી થોડો બ્રેક લેવાની જરુર છે.