ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. નેતાઓનો પક્ષ બદલવાનો સીલસીલો યથાવત છે. હવે કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટી છોડવાના છે. કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગુલાબસિંહ યાદવની હાજરીમાં તેઓ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડશે. 500 જેટલા કાર્યકરો સાથે કૈલાશ ગઢવી આપમાં જોડાશે.

હાર્દિક પટેલ ઘણા સમયથી સ્ટેટ કોંગ્રેસની લીડરશીપથી નારાજ જોવા મળી રહ્યા છે. જેને લઈને તેમણે ઘણીવાર તેમણે મીડિયા સામે આવીને નારાજગી વ્યક્ત કરી છે. તો હવે વાત સામે આવી રહી છે કે, નારાજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના બે મહાસચિવ હાર્દિકને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે તેવી સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કે સી વેણુગોપાલ હાર્દિકના સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બંને મહાસચિવોએ હાર્દિક સાથે ટેલીફોનીક વાત કરી છે. હાર્દિક પટેલ પક્ષ ન છોડે તે માટેના બંને નેતાઓ પ્રયાસ કરતા હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે.