સાઉથની ફિલ્મોની ઉપરાછાપરી સફળતાઓથી બોલિવુડના મોટા હિરો પણ નિશ્ચિત સફળતા માટે દક્ષિણના સર્જકોની ફિલ્મો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. હૃતિક રોશન પણ આ હરોળમાં છે. કેજીએફના નિર્માતાઓની નવી ફિલ્મ માટે તેણે ઓફર મેળવી હોવાનું જાણવા મળ્યું છે. હૃતિક હાલ સાઉથની દિગ્દર્શક જોડી પુષ્કર ગાયત્રીની ‘વિક્રમ વેદા’ ફિલ્મ માટે કામ કરી રહ્યો છે. તે પછી તેણે સાઉથનો આ વધુ એક પ્રોજેક્ટ મેળવ્યો છે.

કેજીએફ ટૂના નિર્માતાઓએ થોડા દિવસો પહેલાં જ નવી ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ માટે સુધા કંગારાની દિગ્દર્શક તરીકે પસંદગી કરવામાં આવી છે. સુધા કંગારા બોલિવુડના આ બીજા મોટા સ્ટારની ફિલમ માટે કામ કરશે. હાલ તેઓ તેમની જ ફિલ્મ ‘સૂરારી પોટ્ટુરુ’ ની હિંદી રિમેક માટે અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યાં છે. સાઉથના નિર્માતાઓ તેમની ફિલ્મને પાન ઇન્ડિયા બ્રાંડિંગ માટે બોલિવુડના સિતારાને રોલ આપવાની પેટર્ન અપનાવી રહ્યા છે.
કેજીએફ ટૂ માં પણ સંજય દત્ત અને રવિના ટંડનની પસંદગી કરવામાં આવી હતી. ‘આરઆરઆર’માં પણ અજય દેવગણ તથા આલિયા ભટ્ટની નાનકડી પણ મહત્વની ભૂમિકાઓ હતી. હવે ‘પુષ્પા’ ના બીજા ભાગમાં પણ કદાચ કોઇ બોલિવુડ સ્ટાર જોવા મળશે તેવી શક્યતા છે. આ નવી ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રુપિયાનું હશે. તેમાં એક્શન દૃશ્યોની ભરમાર હશે. ફિલ્મના કાસ્ટિંગની વિધિવત્ત ઘોષણા આગામી દિવસોમાં થાય તેવી સંભાવના છે.