રાજકોટ પોલીસ કસ્ટડીમાંથી રાજકોટની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહેલા ધારાસભ્ય (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCP) કાંધલ જાડેજા, પોલીસ જાપ્તાને થાપ આપીને વર્ષ 2007માં ફરાર થઈ ગયા હતા. ફરાર થઈ જવાના આ કેસમાં કોર્ટે કાંધલને દોષિત જાહેર કર્યા છે. આ અંગે સજાની જાહેરાત કોર્ટ આજે સાંજે જ કરશે. આ પ્રકારના કેસમાં આરોપીને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.

વર્ષ 2005માં કાંધલની પોતાના ભાગીદાર કેશુ ઓડેદરાની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એક વર્ષ સાબરમતી જેલમાં રાખ્યા બાદ તેને 2006માં રાજકોટ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
રજકોટમાં જેલવાસ દરમિયાન વારંવાર કાંધલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતો હતો. આવા જ એક કિસ્સામાં ફેબ્રુઆરી 2007માં રાજકોટની શિવાની હોસ્પિટલમાંથી તે જાપ્તાની નજર ચૂકવી ભાગી ગયો હતો. આ પછી બે વર્ષ પોલીસની દોડધામ બાદ 2009માં પુણે નજીકથી તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.