ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણની ૭૫માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ફેસ્ટિવલ આગામી મે મહિનામાં તા. ૧૭થી ૨૮ દરમિયાન યોજાવાનો છે. કાન ફેસ્ટિવલના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જ્યૂરીની સત્તાવાર ઘોષણા કરવામાં આવી તે પછી દીપિકા પાદુકોણે પણ આ ન્યૂઝ શેર કર્યા હતા. રણવીર સિંહે પત્નીની આ સિદ્ધિને વાહ એમ લખીને તાળીઓના ઇમોજી સાથે વધાવી હતી દીપિકાએ પહેલીવાર ૨૦૧૭માં આ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે પહેલીવાર જ્યૂરી મેમ્બર તરીકે ભાગ લેશે.

ભારતમાંથી ફિચર ફિલ્મ કેટેગરીમાં જ્યૂરી તરીકે પસંદ પામનારી પ્રથમ હસ્તી ઐશ્વર્યા બચ્ચન હતી. તેને ૨૦૦૩માં આ સન્માન મળ્યું હતું. દર વર્ષે કાનમાં ઐશ્વર્યાની હાજરીની ખાસ રાહ જોવાય છે. અનેક ભારતીય અભિનેત્રીઓ કાનમાં રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લે છે. તેમના કોશ્ચ્યુમ , જવેલરી વગેરે ખાસ ચર્ચાનો વિષય બને છે. દીપિકા પહેલાં શર્મિલા ટાગોર, મૃણાલ સેન, શેખર કપૂર, મીરાં નાયર, વિદ્યા બાલન, અરુઁધતિ રોય અને નંદિતા દાસ પણ વિવિધ કેટગરીમાં જ્યૂરી તરીકે પસંદગી પામી ચૂક્યાં છે. આ જયૂરી આશરે ૩૦ જેટલી ફિલ્મોમાંથી પુરસ્કારોની ઘોષણા ૨૮મી મેએ કરશે. જ્યૂરીના ચેરમેન્ તરીકે ફ્રેન્ચ અભિનેતા લિન્ડન જ્યૂરીની પસંદગી કરાઈ છે.