કર્ણાટકમાં હિજાબના પક્ષમાં અરજી કરનારી 2 યુવતીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી ન મળતાં તેઓ કોલેજથી પાછી ફરી હતી. તે બંને વિદ્યાર્થીઓએ વર્ગમાં હિજાબ પહેરવાની મંજૂરી માટે અરજી દાખલ કરી છે. આજે પણ તેમણે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરીને બેસવા માટે મંજૂરી માગી હતી. ત્યાર બાદ બંને વિદ્યાર્થીનીઓ પરીક્ષા કેન્દ્રમાંથી નીકળી ગઈ હતી.

આલિયા અસદી અને રેશમે ઉડ્ડુપીની વિદ્યોદય પીયૂ કોલેજમાં પરીક્ષા આપવા માટે પોતાની હોલ ટિકિટ લીધી હતી અને બુરખો પહેરીને પરીક્ષા આપવા પહોંચી હતી. તેમણે આશરે 45 મિનિટ સુધી સુપરવાઈઝર્સ અને કોલેજના પ્રિન્સિપાલને વિનંતી કરી હતી. જોકે આખરે રાજ્ય સરકારના પ્રતિબંધને બરકરાર રાખવાના કોર્ટના આદેશ બાદ આ મંજૂરી નહોતી આપવામાં આવી. ત્યાર બાદ તે બંને પરીક્ષા આપ્યા વગર ચૂપચાપ પરીક્ષા કેન્દ્રની બહાર નીકળી ગઈ હતી.
કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ સામેની લડાઈમાં સૌથી આગળ રહેલી 17 વર્ષીય યુવતીએ આજે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને નવેસરથી વિનંતી કરી હતી કે, ‘તમારા પાસે હજું પણ અમારા ભવિષ્યને બરબાદ થતું અટકાવવાની તક છે. રાજ્ય સ્તરીય કરાટે ચેમ્પિયન આલિયા અસાદીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, હિજાબ કે હેડસ્કાર્ફ પરના પ્રતિબંધથી અનેક વિદ્યાર્થીનીઓ પ્રભાવિત થશે જે આ મહિનાના અંતમાં યોજાનારી પ્રી યુનિવર્સિટી પરીક્ષામાં સામેલ થવા ઈચ્છે છે.