ભારતમાં ફરી વીજ સંકટના કાળાડિબાંગ વાદળો ઘેરાઇ રહ્યા છે. વીજ સંકટોનો સામનો કરવા માટે ભારતના મોખરાના ઔદ્યોગિક રાજ્યો ૧.૦૫ કરોડ ટન કોલસાની આયાત કરવાની યોજના ધરાવે છે. કારણ કે વીજ કાપથી ઔદ્યોગિક ઉત્પાદનને મોટો ફટકો પડવાની દહેશત છે. ખરીદીનો જથ્થો અને કોલસાની આયાતમાં કાપ મૂકવાની યોજનાને પડતી મૂકવાનો નિર્ણય ભારતની વીજ કટોકટીની ગંભીરતાના સંકેત આપે છે.

ઉનાળાની શરૂઆતના સમયમાં વીજ મથકોમાં કોલસાની ઇન્વેન્ટરી નવ વર્ષમાં સૌથી ઓછી નોંધાઇ છે. માર્ચ અને એપ્રિલમાં તાપમાન સરેરાશ કરતા વધારે રહેતા વીજળીની માંગ ૩૮ વર્ષમા સૌથી ઝડપી વધી છે. રાજ્યના વીજ અધિકારીઓએ ૧૩ એપ્રિલના રોજ કેન્દ્રીય સરકારની બેઠકમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારે બ્લેન્ડિંગ પ્રોસેસ માટે ૮૦ લાખ ટન કોલસાની આયાત કરવાની યોજના બનાવી છે. તો ગુજરાત સરકાર આગામી સપ્તાહે ૧૦ લાખ ટન કોલસાની આયાતનો ઓર્ડર આપી શકે છે.
તમિલનાડુની સરકાર તેની કુલ જરૂરિયાતના ૨૦ ટકા કોલસાની આયાત કરવાની યોજના બનાવી રહી છે. તેણે પહેલા જ ૧૫ લાખ ટન કોલસાની આયાતનો આદેશ આપેલો છે. ઉપરોક્ત ત્રણેય રાજ્યો દેશના સૌથી મોટા વીજ વપરાશકાર છે, જેમનો વર્ષ ૨૦૨૧માં ભારતની કુલ વીજ માંગમાં લગભગ એક તૃત્યાંશ હિસ્સો હતો. કેન્દ્ર સરકારે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોને પણ કુલ ૧ કરોડ ટન કોલસાની આયાત કરવા જણાવ્યું છે.