એલચી (Cardamom)નો ઉપયોગ ભારતીય રસોડામાં સદીઓથી થતો આવ્યો છે. ભારતમાં એલચીનો (Cardamom in India) મહિમા ગવાય જ છે. મોટાભાગના રસોડામાં એલચી મળી આવે છે. ત્યારે હવે અમેરિકાની લેબોરેટરીએ પણ એલચીમાં શરીર માટે ફાયદાકારક ગુણધર્મો હોવાનું કહ્યું છે અને એલચી ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં કારગર હોવાનો દાવો કર્યો છે.

સ્તન કેન્સરના લગભગ 10-15 ટકા કેસ ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર (TNBC)ના હોય છે. આ પ્રકારના બ્રેસ્ટ કેન્સરની સારવાર સૌથી મુશ્કેલ હોય છે. તે ખાસ કરીને બ્લેક મહિલાઓ, યુવતીઓ અને BRCAએ મ્યુટેશનવાળી મહિલાઓમાં જોવા મળે છે. ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ રોગના કોષો ત્રણ ઘટકો – એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર્સ અને HER2 પ્રોટીન ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા છે.

ફ્લોરિડાની એ એન્ડ એમ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને રિસર્ચ એનાલિસ્ટ ડો.પેટ્રિશિયા મેન્ડોન્કાએ ફિલાડેલ્ફિયામાં એલચીના ફાયદા અંગે પુરાવા રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે, એલચીમાં કુદરતી કમ્પાઉન્ડ હોય છે, જે TNBCની સારવારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જેમાં એલચીમાં બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સર સામે લડવાના ગુણ જોવા મળ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો.