ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા છે. તેમણે marine le penને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. અગાઉના અંદાજમાં મેક્રોન લગભગ 57-58% વોટ જીતી રહ્યા હતા. બીજી તરફ મેક્રોનની જીત બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. તેમના સમર્થકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા. ફ્રેન્ચ અને યુરોપિયન યુનિયનના ધ્વજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી.

બ્રિટનના વડાપ્રધાન જોનસને પણ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વીટ કરીને મેક્રોનને અંગ્રેજી અને ફ્રેન્ચમાં અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યુ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે તમારી ફરીથી પસંદગી બદલ અભિનંદન. ફ્રાન્સ આપણા સૌથી નજીકના અને સૌથી મહત્વપૂર્ણ સહયોગીઓમાંનું એક છે. હું એવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું જે આપણા દેશો અને વિશ્વ બંને માટે સૌથી મહત્વપૂર્ણ છે. ઇટાલિયન વડાપ્રધાન મારિયો ડ્રેગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇમેન્યુઅલ મેક્રોનની જીત સમગ્ર યુરોપ માટે સારા સમાચાર છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે લોકશાહીની જીત, યુરોપની જીત.