આ ઉનાળામાં તમે જે મીઠી કેસર કેરીનો સ્વાદ માણશો તે જૂનાગઢના બગીચાની નહીં પરંતુ, આલ્ફાન્સોના હબ ગણાતા રત્નાગીરી અથવા તેલંગાણાની હોઈ શકે છે. ગયા વર્ષે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા તાઉતેએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં રહેલા કેરીના અનેક બગીચાઓને નુકસાન પહોંચાડ્યું હતું, આ ત્રણ એવા જિલ્લાઓ છે જ્યાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે તેના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. અવારનવાર કમોસમી વરસાદ અને ત્યારબાદની કાળઝાળ ગરમીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં આ જિલ્લાના કેરીના ખેડૂતોએ કેસર કેરીના લાખો છોડ મોકલ્યા હતા, જે મહારાષ્ટ્ર, હૈદરાબાદ અને ચેન્નઈના ખેડૂતો દ્વારા સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંતરાલ ગામના કાકાસાહેબ સાવંત નામના ખેડૂતે, છેલ્લા સાત વર્ષથી 10 એકર જમીનમાં કેસર કેરીની ખેતી કરે છે. તેમના ખેતરમાં દર વર્ષે 15 ટન ફળનું ઉત્પાદન થાય છે. તેઓ મુંબઈના માર્કેટમાં તેનું વેચાણ કરે છે તેમજ એક્સપોર્ટ પણ કરે છે. જો કે, ભારે માગના પગલે તેઓ ગુજરાતના વેપારીઓને મોટા પ્રમાણમાં જથ્થો મોકલી રહ્યા છે. આ વર્ષે, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વાર્ષિક સરરેશાના માત્ર 30થી 40 ટકા થવાનો અંદાજ છે. કારણ કે, હવામાનની પરિસ્થિતિના કારણે ગયા વર્ષના નવેમ્બર સુધીમાં આંબા પર મોર (ફૂલ) આવી ગયો હતો.