કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (સીબીએસઇ) શૈક્ષણિક સત્ર 2022-23નો નવો અભ્યાસક્રમ સ્કૂલ્સને મોકલી દીધો છે, જે મુજબ ધોરણ-11 અને 12ના હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી જૂથનિરપેક્ષ આંદોલન, શીતયુદ્ધનો સમયગાળો, આફ્રિકન-એશિયન ક્ષેત્રોમાં ઇસ્લામી સામ્રાજ્યોનો ઉદય, મોગલ દરબારોનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિનાં પ્રકરણો હટાવી દેવાયાં છે.

જૂથનિરપેક્ષ આંદોલનના સંસ્થાપકોમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ મુખ્ય હતા. ધોરણ-10ના અભ્યાસક્રમમાં ખાદ્ય સુરક્ષાનાં પ્રકરણમાંથી ‘કૃષિ પર વૈશ્વિકીકરણની અસર’ વિષય હટાવી દેવાયો છે. ‘ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજકારણ-સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષ રાજ્ય’ પ્રકરણમાંથી ફૈઝ અહેમદ ફૈઝની ઉર્દૂની બે નઝમના અનુવાદ કરાયેલા અંશ પણ હટાવી દેવાયા છે.સીબીએસઇએ ‘લોકશાહી અને વિવિધતા’ પ્રકરણ પણ અભ્યાસક્રમમાંથી હટાવી દીધું છે. સીબીએસઇના એક અધિકારીએ કહ્યું કે અભ્યાસક્રમ તર્કસંગત બનાવવાના ભાગરૂપે તેમાં આ ફેરફાર કરાયા છે, જે એનસીઇઆરટીની ભલામણોને અનુરૂપ છે. ધોરણ-9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક અભ્યાસક્રમ અપાય છે, જેમાં શૈક્ષણિક સામગ્રી, શીખવાનાં પરિણામો સાથે પરીક્ષાઓ માટે અભ્યાસક્રમ, શૈક્ષણિક અભ્યાસ અને મૂલ્યાંકન અંગેના દિશાનિર્દેશ સામેલ હોય છે.
હિતધારકો તથા અન્ય વર્તમાન સ્થિતિઓને ધ્યાનમાં રાખીને બોર્ડ શૈક્ષણિક સત્ર 2022-23ના અંતમાં મૂલ્યાંકનની વાર્ષિક યોજનાની તરફેણમાં છે અને અભ્યાસક્રમ તે પ્રમાણે જ તૈયાર કરવામાં આવ્યો છે. સીબીએસઇએ દાયકાઓથી અભ્યાસક્રમમાં હોય તેવાં પ્રકરણો આ પહેલીવાર નથી હટાવ્યાં. સીબીએસઇએ 2020માં જાહેરાત કરી હતી કે ધોરણ-11ના પોલિટિકલ સાયન્સનાં પાઠ્યપુસ્તકમાં સંઘવાદ, નાગરિકતા, રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષતાના અધ્યાયો પર વિદ્યાર્થીઓનું આકલન કરતી વખતે નહીં વિચારાય, જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો. 2021-22ના સત્રમાં તે પ્રકરણો બહાલ કરાયાં અને તે અભ્યાસક્રમમાં રહ્યાં.