ખાધ પદાર્થોના પ્લાસ્ટિક પેકિંગ ખુલ્લામાં ફેંકવામાં આવે છે તેનો સૌથી વધુ ભોગ રખડતી ગાયો બની રહી છે.ગાયો નકામા પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાય છે પરંતુ પ્લાસ્ટિકએ વર્ષો સુધી પચ્યા વિના તેના પેટમાં પડયું રહે છે. આથી શહેરી વિસ્તારોમાં રખડતી મોટા ભાગની ગાયોના પેટમાં ઓછા વત્તા પ્રમાણમાં પ્લાસ્ટિક જોવા મળે છે. પ્લાસ્ટિકના ભરાવાના લીધે કયારેક તો ગાયને પેટમાં પોતાના બચ્ચાને ઉછેરવા જેટલી પણ જગ્યા રહેતી નથી.

આથી ગાયોના મુત્યુ પણ થાય છે. દિન પ્રતિદિન પ્લાસ્ટિકની સમસ્યા વકરતી જાય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણની પાંજરાપોળ સંચાલિત પશુ દવાખાનામાં ડૉ કે એલ રાવલ અને તેમની ટીમ દ્વારા એક દેશી ગાયની હોજરીનું ઓપરેશન કરીને ૫૦ કિલોથી વધારે પ્લાસ્ટિક સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું.ગાયનું સામાન્ય રીતે ૩૫૦ થી ૪૦૦ કિલોનું વજન હોય છે.એ હિસાબે પેટમાંથી બહાર કાઢવામાં આવેલા પ્લાસ્ટિકના કુલ વજનના સાતમા ભાગ જેટલું થતું હતું.
બે કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન જોત જોતામાં પ્લાસ્ટિકનો મોટો ઢગલો થઇ ગયો હતો.માણસને તકલીફ થાય તો બોલીને વ્યકત કરી શકે છે પરંતુ અબોલ પશુઓ પોતાને શું થાય છે એ કહી શકતા નથી. પેટમાં પ્લાસ્ટિકનો જથ્થો ખૂબ ભરાઇ જાય ત્યારે પશુઓનો ખોરાક ખૂબ ઓછો થઇ જાય છે. વારંવાર ગેસ થવાથી બીમાર જેવું લાગે છે આવા સંજોગોમાં શરીરમાં પેટમાં પ્લાસ્ટિકનો ભરાવો થયો હોવાની શકયતા રહે છે. ગાયોને તારનાર લીલોચારો દોહલો બન્યો છે જયારે મારનાર પ્લાસ્ટિક ઠેર ઠેર વેરાયેલું પડયું છે.