ભારતે અમેરિકી કોંગ્રેસના મહિલા સદસ્ય ઈલ્હાન ઉમર(Ilhan Omar)ની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાતની નિંદા કરી હતી. ભારતે તેમની આ મુલાકાતને સંકુચિત માનસિકતાની રાજનીતિનું પ્રદર્શન ગણાવી હતી. અમેરિકી સાંસદ ઈલ્હાન ઉમર 20 એપ્રિલથી પાકિસ્તાનની 4 દિવસીય મુલાકાતે છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ(Arindam Bagchi) પ્રેસ કોન્ફરન્સમાં ઈલ્હાન ઉમરની PoKની મુલાકાતની ટીકા કરી હતી.

અમેરિકી કોંગ્રેસના સભ્ય હાલમાં પાકિસ્તાનની 4 દિવસની મુલાકાતે છે જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના અનુગામી શાહબાઝ શરીફની પણ મુલાકાત લીધી હતી. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે તેમના મીડિયાને જણાવ્યું હતું કે, ‘મારા સમજવા પ્રમાણે, પ્રતિનિધિ ઉમર અમેરિકી સરકાર દ્વારા પ્રાયોજિત યાત્રા પર પાકિસ્તાનની મુલાકાત નથી લઈ રહ્યા.’ અમેરિકાના કહેવા પ્રમાણે ઉમર પોતાના વ્યક્તિગત પાકિસ્તાન પ્રવાસે છે. તેમનો આ પ્રવાસ અમેરિકા દ્વારા પ્રાયોજિત નથી.
બાગચીએ કહ્યું હતું કે, અમે ઈલ્હાન ઉમરના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના એક વિસ્તારની મુલાકાતના અહેવાલો જોયા છે, જે હાલમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. જો આવા રાજકારણી પોતાની સંકુચિત માનસિકતા દર્શાવે છે તો તે તેમનું કામ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ ક્રમમાં આપણી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થાય છે તો આપણે સમજીએ છીએ કે આ યાત્રા નિંદનીય છે. બાગચીને ઈલ્હાન ઉમરની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.