
અમરેલી જિલ્લામાં વીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. વીજ વિભાગની અલગ-અલગ ટુકડીઓ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 દિવસથી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વીજચોરીનો ચોંકાવનારો આંકડો પીજીવીસીએલ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વીજ તંત્રએ 5 દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડી છે. જેને લઈ વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી જિલ્લામાં અલગ-અલગ તાલુકા મથકના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની સ્કોડ દ્વારા તપાસ હાથ ધરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતી સામે આવી છે. વીજચોરી કરતા કનેક્શન પણ સામે આવતા પીજીવીસીએલ તંત્ર દ્વારા આવા કનેક્શન ધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે.
પીજીવીસીએલની સૌરાષ્ટ્ર ભરની ટીમો દ્વારા 5 દિવસ સુધી વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 1 કરોડ 51 લાખની વીજચોરી ઝડપાય છે. અમરેલી વીજ વિભાગના એસી ખીસરિયાએ જણાવ્યું હતું કે, તાલુકા અને શહેરી વિસ્તારમાં 5 દિવસ વીજ વિભાગની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતી અને વીજચોરી ઝડપાઇ છે. તાઉતે વાવાજોડા બાદ અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા આ પ્રથમ મોટી ડ્રાઈવ જોવા મળી હતી. જેમાં વ્યાપક પ્રમાણમાં વીજચોરી સામે આવી હતી. ત્યારે ગેરરીતી કરનારા અને વીજચોરી કરનારા લોકોમાં વીજ વિભાગની કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.