અમદાવાદમાં ધીરે ધીરે સોલર પેનલનું મહત્ત્વ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ શહેરમાં 80 હજારથી 1 લાખ ઘર પર સોલર રૂફટોપ લાગી ગયા છે. બંગલો અને ટેનામેન્ટ ધરાવતી સોસાયટીઓમાં સોલર રૂફટોપનું સૌથી વધુ પ્રમાણ છે. સાયન્સ સિટી પાસે આવેલા સુરમ્ય બંગલોઝના 87 મકાનમાંથી લગભગ 70 ટકાથી વધુમાં સોલર પેનલ લાગી ગઈ છે.

સુરમ્ય બંગલોઝમાં રહેતા શતાશભાઈ પટેલે આપેલી માહિતી અનુસાર અહીં સરેરાશ 5 રૂમના બંગલો છે અને પ્રત્યેક મકાનમાં 4 એસી લાગેલા છે. દરેક મકાન પર 12 પેનલનું યુનિટ લગાવવામાં આવ્યું છે. સૌર ઊર્જાને કારણે વીજળીના બિલમાં ખાસ્સી બચત થતી હોવાનું તેમનું કહેવું છે. આ ઉપરાંત સોલર રૂફટોપ ઈન્સ્ટોલ કરાવનારા દરેકને અંદાજે રૂ.2 હજાર ક્રેડિટ નોટ મળે છે. શહેરની સંખ્યાબંધ સોસાયટી એવી છે જે કોમન વપરાશ માટે પણ સોલર સિસ્ટમ અપનાવવા તરફ જઈ રહી છે.
સોલર એડવાઈઝર પ્રતીક કા.પટેલના જણાવ્યા અનુસાર સોલર સિસ્ટમને કારણે રૂ.1 લાખના રોકાણ પર લગભગ 33 ટકા જેટલું વળતર મળતું હોય છે. જો કોઈ વ્યક્તિ ફિક્સ ડિપોઝિટમાં રૂ.1 લાખનું રોકાણ કરે તો તેને સરેરાશ 4થી 5 ટકા રિટર્ન મળે છે, મ્યુચ્યુઅલ ફંડમાં આટલા રોકાણ પર વાર્ષિક સરેરાશ 12થી 15 ટકા રિટર્ન મળે છે. આની સરખામણીએ સોલરથી વીજ બિલમાં થતી બચત સરેરાશ 33 ટકા જેટલી છે.