અફઘાનિસ્તાનમાં સિલસિલાબંધ ત્રણ આતંકી હુમલા થયા હતા. એ હુમલાની જવાબદારી આઈએસના આતંકીઓએ લીધી હતી. આ હુમલા અફઘાનિસ્તાનના લઘુમતી શિયા મુસ્લિમોને નિશાન બનાવીને થયા હતા, જેમાં ૧૨નાં મોત થયા હતા અને ૪૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં લઘુમતીઓને નિશાન બનાવીને ત્રણ હુમલા થયા હતા, એ હુમલાઓમાં ૧૨નાં મોત થયા હતા અને ૪૦થી ૫૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

હુમલાના બીજા દિવસે તેની જવાબદારી આઈએસના આતંકીઓએ લીધી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો લીધો પછી લઘુમતીઓને નિશાન બનાવતા આઈએસના હુમલા વધ્યા છે. આ પણ એવો જ હુમલો હતો. દરમિયાન પાકિસ્તાનની સરકારે પંજાબપ્રાંતમાં આઈએસના હુમલાની ભીતિ વ્યક્ત કરી છે. આતંકવાદીઓને છાવરતા પાકિસ્તાનને પણ હવે આતંકવાદીઓનો ડર લાગવા માંડયો છે. પંજાબપ્રાંતની પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે આઈએસના આતંકવાદીઓ પંજાબ પ્રાંતને નિશાન બનાવવાની પેરવીમાં છે. ખાસ તો પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં ગમે ત્યારે હુમલો થાય તેવી ભીતિ હોવાથી લોકોને સાવધાન રહેવાની સલાહ અપાઈ હતી.